Monday, 16 April 2012

ખાલીપો















સતત મનને અકળાવ્યા કરે ખાલીપો એવો લાગે છે 
કહી કેટલીક વાતો ને બાકી વાતનો અજંપો લાગે છે

એ રીતે પરેશાનીને દુર કરવી પડકાર મોટો લાગે છે
સજાવ્યાં સ્વપ્નાં આંખોએ ઉજાગરો મનનો લાગે છે

સરળતાથી રસ્તો બસ એના સહારે કપાયો લાગે છે 
બે ચાર સ્મરણની હકીકતોનો પડાવ થયો લાગે છે

વરસો પહેલાંના સબંધનો હિસાબ બાકી રહ્યો લાગે છે
બંધ થઇ આંખો ને ભીતરથી વરસાદ થતો લાગે છે

યાદના દોડતા હરણને એનો સહારો મળતો લાગે છે
ઝાંઝવાના જળ સમ જીવનનો લગાવ કેવો લાગે છે ?


- બી.એમ.પરમાર / ૧૭ / ૦૪ / ૨૦૧૨ 
  




Saturday, 31 March 2012

પીઢ અને પરિપક્વ












પહેલાં,
કોઈએ કહેલા એકાદ શબ્દથી,
એકાદ વાક્યથી કે એકાદ સંબોધનથી
મને તરત જ ખોટું લાગી જતું હતું..અને,
બેકાબુ આગની માફક હું ઉશ્કેરાઈ જતો હતો..!
વરસો જુના સબંધોને એક ક્ષણમાં તોડી નાખતો હતો
પણ, જ્યારથી મેં મારા બાળપણની નીર્દોષતા ગુમાવી છે
ત્યારથી, મારામાં એક નવું પરિવર્તન આવી ગયું છે..!
હવે હું ગમે તેવા શબ્દોની વણઝાર સહી શકું છું
માન અપમાન જે મળે તે સહન કરી શકું છું
મન મળે ન મળે હાથ મિલાવતો રહયો છું
આંખમાં આંખ નાખી વાત કરવાની રીત શીખી ગયો છું
દિલમાં કટુ ભાવ હોય અને છતાંય હસતો ચહેરો રાખીને 
સબંધોની દુનિયા સાચવતો થયો છું
મિત્રો હોય કે દુશ્મનો, તેલ અને તેલની ધાર મુજબ
વિકટ સંજોગો સાથે કદમ મિલાવતો થયો છું.
હવે હું નાદાન નાસમજ બાળક રહ્યો નથી
હવે હું પીઢ અને પરિપક્વ થઇ રહ્યો છું..!

- બી.એમ.પરમાર / ૦૧ / ૦૪ / ૨૦૧૨
 

Friday, 9 March 2012

દુનિયા

ભલા માણસો સાથે ખરાબ વર્તન કરતી રહી છે
દુનિયા જાણે કયા ભવનો બદલો લેતી રહી છે ?

દર્દની સારવારમાં સલાહો એમની મળતી રહી છે
દુખ આપવામાં જાણે કોઈ કમી હજુ બાકી રહી છે  

સહન કરવાની શક્તિ હર મુશ્કેલીમાં મળતી રહી છે 
તમે હસતા રહયા ને દરેક વાત હળવી બની રહી છે

ન થઇ શકી હશે કોઈ વાત એની એ ગવાહી રહી છે
રૂબરૂ મળવાની ઘડીએ મનને મુંઝવણ ડરાવી રહી છે

મોત પહેલાં મન મરી જાય એવી રસમ જૂની રહી છે
વેદના હંમેશાં શરૂઆતથી જિંદગીને હરાવતી રહી છે

- બી.એમ.પરમાર / ૧૦ / ૦૩ / ૨૦૧૨ 






Wednesday, 7 March 2012

આપણે
















એક માટીથી ઘડાયેલા માનવી આપણે
ને છતાં કોઈને પરાયા માનીએ આપણે

યાદનાં દર્પણ બધે ખુલ્લાં મુક્યાં આપણે
પ્રતિબિંબને જોઈને છળી જઈએ આપણે

આંખ ખુલે અને શોધમાં ભટકીએ આપણે
રાતભર શમણાં બની વિખરાઈએ આપણે 

બીજું બધું ન થાય પણ એ કરીએ આપણે
બે હોઠના સ્મિતનું ચોમાસું થઇએ આપણે

અપેક્ષાની બારીઓ ખુલ્લી રાખીએ આપણે 
પછી દુઃખને કેમ અટકાવી શકીએ આપણે ?

- બી.એમ.પરમાર / ૦૮/ ૦૩ / ૨૦૧૨

Friday, 2 March 2012

યાદ















એક નાની સરખી વાતની કોઈક યાદ આવતી હોય છે
એ રીતે ખુશીમાં પણ ક્યારેક આંખો છલકાતી હોય છે    

જે સતત સાથે હોય એની હાજરી ભૂલી જવાતી હોય છે
ને એ અલગ થાય ત્યારે એની યાદ સતાવતી હોય છે

અંતરનાં અરમાનોને તડપ જ્યારથી લાગતી હોય છે 
મનમાં મીઠી મૂંઝવણ ને આંખમાં મસ્તી રાતી હોય છે

દિલની ઝંખના અચાનક ઝબકીને જાગી જતી હોય છે 
કૃષ્ણની વાંસળીના સાદે રાધા ભાન ભુલાવતી હોય છે

એમના હૈયામાં ફાગણની હોળી રોજ સળગતી હોય છે
વિરહના તાપમાં જે યુવાની દિવસભર શેકાતી હોય છે 

- બી.એમ.પરમાર / ૦૨ / ૦૩ / ૨૦૧૨






Wednesday, 22 February 2012

આંસુ












બીજે બધે ક્યાંય રહેવાનું એને ના ગમતું હોય છે
કે જેની તેની આંખોમાં જઈ, વસી જાય છે આંસુ

જીવન પણ એના જેવું ખરેખર રહસ્યમય હોય છે
પ્રસંગ કરુણ હોય કે હર્ષનો નીકળી જાય છે આંસુ

મનમાં ને મનમાં આખો દિવસ મૌનથી શેકાય છે
ને રાતે ખાલી અજંપો જોઈને વહી જાય છે આંસુ

એકવાર સાથ છૂટ્યા પછી મન ફરી શોધતું હોય છે
કોઈ નામની યાદે આંખમાંથી ખરી જાય છે આંસુ

ગમે તેવી અસહય ક્ષણોથી મન મુક્ત થઇ જાય છે
એ બહાને જિંદગીના દર્દને બહાવી જાય છે આંસુ

- બી.એમ.પરમાર / ૨૩/ ૦૨/ ૨૦૧૨


Tuesday, 21 February 2012

ગમે તેટલા ધમપછાડા











ગમે તેટલા ધમપછાડા કરશો પણ તમે જુદા રહેવાના
આંગળીથી નખ રહે જેમ વેગળા તેમ વેગળા રહેવાના

શુદ્ર તરીકે જનમ્યા એટલે નક્કી શુદ્ર સ્વરૂપે મરવાના
નામ બદલો કે જાત છૂપાવશો તમે ઓળખાઈ જવાના 

તનમન થી નિર્મળ રહીને ભલે ભક્તિ કરતા રહેવાના
વર્ણ વ્યવસ્થાના અછૂત ગુલામ તમે છેવાડે રહેવાના

ધર્મ હોય કે સંસ્કૃતિ,જાગીર એમની એને સાચવવાના
જન્મ જાતિ એ કર્મનાં ફળ શાસ્ત્રોથી સૌ સમજાવવાના  

જીવતે જીવ સ્વપ્ન જોયા કરો એમની સાથે રહેવાના
સ્મશાન પણ અંગત મિલકત મોત પછીએ રોકવાના

- બી.એમ.પરમાર / ૨૨ / ૦૨ / ૨૦૧૨